૧૦૦ રુપિયાની નોટમાં જેને સ્થાન આપવામાં આવ્યુ છે તે "રાણકીવાવ" વિશે જાણો.
ગુજરાતમાં ઘણા ઐતિહાસિક સ્થળો આવેલા છે. આજે આપણે ઐતિહાસિક વિરાસત "રાણકી વાવ"ની વાત કરીશું.અદ્દભૂત કલાત્મક વારસો ધરાવતી રાણકી વાવ ગુજરાતના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે. ઐતિહાસિક દ્રષ્ટીએ ખૂબજ સુંદર છે. આએક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશનાં હજારો પ્રવાસીઓ દર વર્ષે મુલાકાતે આવે છે. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે.
રાણકી વાવની સ્થાપના રાણી ઉદયમતીએ પતિ ભીમદેવ સોલંકી પહેલાની યાદમાં બંધાવી હતી. ભીમદેવ સોલંકી મૂળરાજ સોલંકીનો પુત્ર હતો અને રાણી ઉદયમતિ જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રા'ખેંગારની પુત્રી હતી. વાવ ઈ.સ.1063 માં બાંધવામાં આવી હતી. સરસ્વતિ નદીને કાંઠે બાંધવામાં આવી હતી.
રાણકીવાવ સદીઓ પહેલા સરસ્વતિ નદીમાં આવેલા પૂર અને બીજી ઘટનાઓથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી. તેથી જમીનમાં દટાયેલી આ વાવ ઉપર કોઈની નજર ના પડી. પરંતુ ૨૦મી સદી સુધી લોકોની નજરોથી દુર રહેલી આ વાવ પર ભારતીય પુરાતત્ત્વ વિભાગની નજર પડી. ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી. તેના ઘણા વર્ષોના ઉત્ખનન પછી મળી આવેલ રાણકી વાવની શિલ્પ, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિરાસતની પુરાતત્ત્વવિદો, ઈતિહાસકારો, કલાપ્રેમી પ્રવાસીઓ અને સાંસ્કૃતિક રસિકોને સાચી જાણ થઈ.
રાણકીવાવની લોકવાયકા પણ છે. કહેવાય છે કે રાણી ઉદયમતિએ સદ્દગત પતિના યાદને સાચવવા ત્યાં સમયના જાણીતા શિલ્પીઓને બોલાવીને વાવ બાંધવાની વાત કરી. મહારાણીની આર્થિક સ્થિતિનો તાગ લેવા શિલ્પીઓએ કહ્યું, "મહારાણીજી! એવી વાવનું નિર્માણ કરીએ કે ભારતમાં બીજે ક્યાંય ના હૌય પરંતું અમારા શિલ્પના સાધનો ગિરવે મુકેલા છે." ઉદયમતિએ ત્યારે એક લાખ રૂપિયા ગણી આપ્યા. તેનાથી શિલ્પીઓને રાણીની આર્થિક સ્થિતિનો સાચો ખ્યાલ આવી ગયો. આથી ધરતી પાટણની ધરતી પર મંગાવેલા નિર્જિવ પથ્થરોમાં મહિપાલ, લહદેવ, તહદેવ, બુદ્ધ, રુપક, કોકિલ્ય, વાલગમ, રામ અને ચંદ્રમાં જેવા એ સમયના શિલ્પીઓએ કલા-સૌદર્યની કવિતા કંડારવા માંડી. બાહોશ કારીગરોના ટંકારવથી પાટણની ધરતી ગુંજવા માંડી.
આશરે ૨૫-૩૦ વર્ષ સતત ચાલેલા આ કામમાં શિલ્પીઓએ પોતાની તમામ તાકાત નિચોવી નાખી. જેનાથી અનેક ઉત્કૃષ્ટ શિલ્પ સ્થાપત્યો રાણકીવાવમાં નિર્માણ પામ્યા. આ ધબકતા શિલા-સ્થાપત્યોમાં ગુજરાતની કલા કૌશલ્યપૂર્ણ જીવનશૈલીનું સુંદર દર્શન થાય છે. આ બધા કારણોસર વિશ્વના પાંચ પુરાતત્ત્વીય સ્મારકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું જેમાં રાણકીવાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આને લીધે સ્કોટલેન્ડથી ખાસ ટીમ આવી હતી. રાણકીવાવની અદ્દભૂત શિલ્પસ્થાપત્ય અને બાંધકામ નિહાળીને ભાવવિભોર બની ગઈ હતી. આ ડિજિટલ સ્કેનિંગ વાવને લાંબો સમય જાળવી રાખવા ઉપયોગી બનશે.
પાટણથી ઉત્તર-પશ્વિમ ૨ કિ.મિ. દુર સરસ્વતિ નદીનાં કિનારે આવેલી રાણકીવાવની બાજુમાં પુરાણા ગઢના અવશેષો અને પુરાણ થયેલું સહસ્ત્ર્રલિંગ તળાવ આવેલું છે. વાવને જોતાં જ કૂપ, વિશ્રામ અને સોપાન એના મુખ્ય અંગો ઉડીને આંખે વળગે છે. વાવમાં કંડારેલા ધાર્મિક શિલ્પો જો પ્રથમ નજરે એ ધાર્મિક સ્થાપત્ય જણાય. એ શિલ્પો તો વાવની શોભા વધારનારાં શિલ્પો છે. સોમપુરા શિલ્પીઓની પરંપરીત શિલ્પ કલાને ઉજાગર કરનાર શિલ્પો છે. પરંતુ આ વાવ બાંધવાનો મુખ્ય હેતું તો લોકઉપયોગી થવાનો હતો. વાવ બાંધીને રાણી ઉદયમતિએ લોકોની પાણીની સમસ્યા હલ કરી હતી.
રાણકીવાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઉંડી છે. તે સાત માળ જેટલી ઉંડી છે. રાણકીવાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે.
અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઇને, કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઇને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે. ભગવાના વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો. આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જુઓ છે. જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડયા છે.
પાટણની સુપ્રિધ્ધિ રાણકીવાવને યુનેસ્કોની ટીમ દ્વારા મુલાકાત લઈ તેનાં રીપોર્ટના આધારે યુનેસ્કોની ટીમ દ્વારા તા.રર જૂન ર૦૧૪ માં રાણકીવાવને વર્લ્ડ હેરીટેમાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે. દિલ્લીમાં પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરી ૨૦૦૮માં યોજાયેલી રેલીમાં ગુજરાતના પાટણની 'રાણકીવાવ'નો ટેબ્લો રજુ કરવામાં આવ્યો હતો. જે માટે રાણકીવાવનુ આબેહુબ માળખુ તૈયાર કરવામાં આવ્યું હતું.
જો તમે પાટણ જવા માંગતા હોવ તો પાટણ થી નજીકનું એરપોર્ટ અમદાવાદ માં આશરે 125 કી.મી. દુર આવેલ છે. અમદાવાદ ઘણી ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે. પાટણ શહેર દેશના અન્ય ભાગો સાથે ઘણી ટ્રેનો દ્વારા જોડાયેલુ છે. અમદાવાદ થી પાટણ વચ્ચે દૈનિક એક્ષ્પ્રેસ અને લોકલ ટ્રેનો ચાલે છે. અમદાવાદ-મહેસાણા 75 કિમી. પાટણ-મહેસાણા આશરે 65 કિમી.
અમદાવાદથી મહેસાણા થઈ પાટણ જવું (અમદાવાદ-પાલનપુર હાઇવે પર) ભારે વરસાદ/ સખત ઉનાળામાં વાવની મુલાકાત ટાળવી. વિન્ટર સિઝન શ્રેષ્ઠ.સવારે વહેલા રાણકી વાવ વિઝિટ કરી પછી મોઢેરા સૂર્યમંદિર / બહુચરાજી જઈ શકાય.
જો તમને આ પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરો. આપને અમારી પોસ્ટ પસંદ આવતી હોય તો અમને ફોલ્લો કરો અને અમારી અન્ય પોસ્ટ પણ વાંચો.
આ પણ વાંચો -
1. શું તમે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ "ગીરનું અભયારણ્ય" જોયું છે ?
2. શું તમે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ "ગીરનું અભયારણ્ય" જોયું છે ?
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો